Social
સન્માન સમારોહ

સન્માન સમારોહ

       માનવ સેવા ટ્રસ્ટ, સાણંદ દ્વારા મણિપુર ખાતે આવેલ સેવા અકાદમીમાં તા – 27 નવેમ્બરના રોજ સન્માન સમારોહ રાખવામાં આવ્યો. આ સન્માન સમારોહમાં સમાજની અંદર રહેલ અને ફરજ બજાવતા નાના નાના સેવકોનું સન્માન કરવામાં આવ્યું. જેમ કે, શાળાના સેવક, હોમગાર્ડના જવાન, મ્યુન્સિપલ સફાઈ કર્મચારી,  બસ કંડકટર અને ટપાલી જેવા સાચા કર્મવીરોનું સન્માન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું.

સંસ્થાનો હેતુ આ સન્માન સમારોહમાં કર્મવીરોના યોગદાનોને બિરદાવવાનું હતો. આ કાર્યક્રમમાં સફાઈ કામદાર રાજુભાઈ ચૌહાણ, કંડકરટ  કનુભાઈ રબારી, હોમગાર્ડ બી. કે.મકવાણા તથા કનુભાઈ, શાળાના સેવક બચુભાઈ, ટપાલી અમ્રતભાઈ પરમાર જેવા છેલ્લા કેટલાય વરસથી પોતપોતાના ક્ષેત્રમાં ફરજ બજાવતા કર્મચારીઓની પસંદગી કરવામાં આવી. આ બધા એવા કર્મચારીઓ છે જે ક્યારેય કશું પણ માંગવાની આશા રાખતા નથી. દિવસના ગમેતે સમયે તાપ-તડકો, વરસાદ કે ઠંડી જેવી કુદરતી પરિસ્થિતિઓમાં પણ પોતાની સેવા બજાવે છે. સમાજમાં કોઈ મોટા હોદ્દા પર બિરાજનાર વ્યક્તિઓનું સન્માન તો તમે ઘણા જોયા હશે પણ આતો અદના આદમી એવા વર્ગ ચારના કર્મચારીઓનું સન્માન આવી ભવ્ય રીતે માનવ સેવાએ કરી સમાજમાં એક દાખલો બેસાડવાનું કાર્ય કરેલ કે આપણી સેવામાં આવતા આ કર્મચારીઓ પ્રતે આપણી પણ ઘણી બધી ફરજો છે.

સન્માન પામનાર શાળાના સેવક બચુભાઈ પટેલ કહે છે કે, ” મેં શાળામાં 38 વર્ષ સેવક તરીકે ફરજ બજાવી છે પણ મને કોઈએ સન્માનના બે શબ્દો પણ કીધા નથી પરંતુ માનવસેવા ટ્રસ્ટના મનુભાઈએ મારુ સન્માન કરી મારી નિવૃત્તિને ધન્ય કરી દીધી. તેમનું આ ઋણ હું ક્યારેય નહી ભૂલું.”

સન્માન મેળવનાર અન્ય સભ્યો પણ કૈક આવીજ લાગણી અનુભવી રહ્યા છે. હોમગાર્ડ જવાન કનુભાઈ એ કહ્યું કે, ” અમે સમય સંજોગો જોયા વિના દિવસ રાત ફરજ બજાવીએ છીએ. કડકડતી ઠંડી હોય કે વરસતો વરસાદ કે પછી કાળઝાળ ગરમી પોલીસ તંત્રની સાથે અમે પણ ફરજ બજાવીએ છીએ પણ અમારું સન્માન થાય તે મારા માન્યમાં જ આવતું નથી. મનુભાઈએ સન્માન કર્યું એટલે એવું લાગે છે કે હાજી માનવતા મારી પરવારી નથી.”

આ કાર્યક્રમમાં સાણંદના નગર શ્રેષ્ઠિ દશરથભાઈ પટેલ, ડૉ. જી. કે. પટેલ, કઈ.એન વિધાયલાયના ટ્રસ્ટી શ્રી એમ. કે. સહા, અગ્રણી અમરશી સોલંકી, ડાંઢી આશ્રમના ડાયરેક્ટર અતુલ પંડ્યા સહીત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply