SANAND RATNA
નળસરોવરના પછાત ગણાતાં ઝાંપ ગામમાં પ્રવિણ પટેલની બદલી કરવામાં આવી ત્યારે અહીં દીકરીઓને શાળામાં ભણાવવાનું કોઈ વિશેષ મહત્ત્વ ન હતું. પ્રવિણભાઈએ વિચાર કર્યો કે એવું તો શું કરું કે શાળા છોડીને જતી રહેલી દીકરીઓ પાછી ભણવા આવે. પ્રવિણભાઈની મૂળ ડિગ્રી રમત-ગમતના શિક્ષકની એટલે તેઓ બાળકોને સરસ રમાડી શક્તા. શાળાના એક ખૂણે ધૂળ ખાતી તૂટેલી હોકીથી દીકરીઓને રમાડવાનું શરુ કર્યું. ખેતરોમાં કામ કરતી બળુકી દીકરીઓથી સૂની શાળાનું આંગણું ઊભરાવા લાગ્યું. રિસેષોમાં રોટલા ને શાકના ડબ્બાઓ ખુલ્યા અને ભારતીય રમતે આ કાઠા કાંડાની દીકરીઓને વર્ગખંડમાં બેસતી કરી. ગામના પ્રસંગોમાં ગરબા ગાતા હાથમાં હવે હોકીઓ હતી. આજે ચાળીસ દીકરીઓ પ્રોફેશનલ પ્લેયર જેવું રમે છે. ત્રીજા ધોરણમાં ભણતી નાની ઝીણકી પણ હૉકી માટે થનગને છે. જિલ્લા લેવલે કાઠું કાઢે એવી ટીમ બની. જિલ્લા કક્ષાએ જીતીને આવી. શાળાના બજેટમાં હૉકીનો બે અઢી લાખનો સામાન કેવી રીતે લાવવો તે પ્રશ્ન ઊભો થયો. પ્રવિણભાઈએ માનવસેવા સંસ્થાને વાત કરી અને માનવસેવાએ હૉકી સ્ટીક્સ, અફલાતૂન દોડી શકાય એવા શૂઝ, સોક્સ, હેલમેટ, ગ્લોવ્સ, પગમાં પહેરવાના હૉકી પેડ્સ એમ કુલ મળીને અઢી લાખનો સામાન અમદાવાદની બ્રાંડેડ સ્પોર્ટ્સ શોપમાંથી ખરીદીને પહોંચતો કર્યો. આ દીકરીઓ જિલ્લા કક્ષાએ ગાંધીનગરમાં પ્રથમ આવી. રાજ્ય કક્ષાએ વેરાવળ ખાતે ક્વાર્ટર ફાઈનલ સુધી તેમણે બેસ્ટ પરફોર્મ કર્યું. શિક્ષક સામાન્ય નથી હોતા એ વાત પ્રવિણભાઈએ આ રાષ્ટ્રીય રમતથી સમજાવી. તેમને માનવસેવાએ સાણંદ રત્નથી નવાજ્યા છે.
પારુલબેન શુક્લ એક નર્સ છે, જેમના પતિ વર્ષોથી પથારીવશ છે. ઘરની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પારુલબેન બે શિફ્ટમાં નર્સિંગની સેવાઓ બજાવે છે. દિવસ-રાત ઇમરજન્સીમાં સેવાઓ બજવતાં પારુલબેનના ચહેરા પર કયારેય હતાશા ફરકતી નથી. રોજ સવારે પથારીવશ પતિને સ્નાન અને શૌચાદી ક્રિયાઓ કરાવીને તેમને તૈયાર કરીને કામે નીકળી જાય. જિંદગી જેવી છે એવી છે એમ માનીને તેઓ હંમેશા સંતુષ્ટ હોય છે. કોરોનાની આવી ત્રણ તેજ લહેરોના તોફાનમાં પારુલબેને લોકોની સેવા કરવામાં પાછું વળીને નથી જોયું અને એ કારણથી જ આખા સાણંદમાં તેમના માટે એક અહોભાવ ઊભો થયો. ઘર અને દુનિયાના બંને મોરચે લડતી આ વિરાંગના ઝાંસીની રાણી જેટલી જ બાહોશ કહી શકાય. રાષ્ટ્રસેવા એટલે મૂળ તો આપણી આસપાસના લોકોના હૈયા ઠારવાનું જ તો કામ છે એવું તેઓ સ્પષ્ટપણે માને છે. પારુલબેનની આ સેવા બદલ તેમનું ખાસ સન્માન કરવામાં આવ્યું.
ગની સમા પણ એક આવી જ પ્રતિભા જેણે અત્યાર સુધીમાં 10,000 જેટલા વિદેશી પક્ષીઓને બચાવવાનું કામ કર્યું છે. બહુ સરળ અને ઓછા બોલા વ્યક્તિ છે. ગનીની તેજ નજર અને પક્ષીઓ વિશેનું જ્ઞાન પક્ષીવિદોને શરમાવે એ કક્ષાએ ઉત્તમ છે. હાલમાં નળસરોવર ખાતે સરકારી રોજમદારી તરીકે બોટમેનની સેવાઓ આપે છે. તેમને અંગ્રેજી નથી આવડતું છતાં નળસરોવરના તમામ પક્ષીઓના અંગ્રેજીમાં નામ સાથે આઈડેન્ટીફાય કરે છે. ગની સાથે હોડીમાં બેસો તો એક દિવસ પણ ઓછો પડે એટલી રસપ્રદ પ્રતિભા. સરકારના પ્રૉજેક્ટસમાં પક્ષીઓને ટ્રેક કરવાનું કામ પણ ગની કરે છે. પણ ક્યાંય સન્માનની ઈચ્છાઓ કપાળની કરચલીઓમાં ના વર્તાય એવો મોંઘો માનવી છે.
આ ઉપરાંત સિવિલના પોસ્ટમોર્ટમ વિભાગમાં સતત દિવસ રાત કામ કરતાં ગૌતમભાઈ ચૌહાણ અને આંગણવાડી કાર્યકર એવા ગીતાબેન દરજીને સેવાઓને તેમને અહીં સન્માનિત કરવામાં આવ્યા.
26મી જાન્યુઆરીના રોજ સાણંદના વીંછિયા ગામની સીમની વાદી વસાહતીની સમજુનાથ વાદી શાળામાં એવા પાંચ વ્યક્તિઓનું સન્માન થયું જેઓ સમાજની નજરે નથી ચડતા. આ પાંચેય વ્યક્તિઓના સામાજિક પ્રદાનમાં દેશસેવા જ દેશસેવા છે. સમાજના મૂળ સુધી જઈને આવા રત્નોને ખોળવાનું કામ કરવાનો શ્રેય માનવસેવાના મનુભાઈ બારોટને અને તેમને સન્માવાનો અવસર પ્રદાન કરવાનો શ્રેય નવજીવનના ડાયરેક્ટર શ્રી વિવેક દેસાઈને જાય છે.